રવિવાર, 27 નવેમ્બર, 2011

વિકલ્પ-સત્ર

વનનો વિકલ્પ હોય , હવાનો વિકલ્પ શો ?
આ શબ્દ-નામ જીર્ણ પ્રથાનો વિકલ્પ શો ?

અથડાય છે તરંગ સતત એકમેકથી , -
મનની વિચાર-ગીચ ગુફાનો વિકલ્પ શો ?

ઊંચે જતા અવાજ-ગુબારાય ક્યાં જશે ?
એટીઝ એઝ ઈઝ દિશાનો વિકલ્પ શો ?

એહેબ હોય ક્યાંક અને ક્યાંક ઓલ્ડ મેન , -
દરિયો-જહાજ-મત્સય - બધાનો વિકલ્પ શો ?

ગુરુવાર, 24 નવેમ્બર, 2011

સોમવાર, 21 નવેમ્બર, 2011

પ્રાપ્તિ

મળી છે ઝુલ્ફની છાયા , અહીં વસવાટ કરવો છે ,
હવે સૌંદર્ય-આસવનો અતલ દરિયો જ તરવો છે .

ગુલાબી રેશમી ચ્હેરો , મુલાયમ સ્મિત , ચકિત ચિતવન ,-
મૃદુલ સાન્નિધ્યનો હર પળ ચષક ભરપૂર ભરવો છે.

અગોચર હોય પ્રાત:સાંજરે દુનિયા અમસ્તી પણ ,
દિવાસ્વપ્ને ડુબાવીને મને ખુદને વીસરવો છે .

હયાતી છે , હયાતીમાં નથી શિલ્પીનની હસ્તી ,
છતાં શિલ્પીન સાજો છે , છતાં શિલ્પીન નરવો છે .

રવિવાર, 20 નવેમ્બર, 2011

મૃ

અધ-મધરાતે પીધ પિયાલી , પરોઢ અમ્મલદાર , જીવભા ઝમરખ-ઝમરખ !
દસ દરવાજી રંગમ્હેલમાં રેલ-છેલ ઝોંકાર , જીવભા ઝમરખ-ઝમરખ !

અધખૂલી અધબંધ અટારી અખિયાં , અખિયાં બીચ ઉઘાડું અકડેઠઠ આકાશ ઝળુંબે ,
આમ વખંભર , ઓમ ડટેટર , સાવ ખખડધજ ગઢની રાંગે
અરજ-ખરજતો જિબડીનો બોલાશ ઝળુંબે ,
અવાક અસ્સલવાર જીવભાને શું પરશે-બરશે , ગઢ મોઝાર જીવભા ઝમરખ-ઝમરખ !

અચકો-મચકો સપનાંની ધોડાર હણેણે
તોય જીવભા બ્હેરા-બંતર કોઈ ઠાણિયા જેમ ઝાંપલે જાલિમ ઊંઘે ,
ઊંઘરેટિયાં ગાત કૂતરાં સસ્સસ્સૂંઘે ,
અઠંગ ઊંઘણહાર જીવભાને શું લાગે-વળગે , નીંદર સાથે એકાકાર જીવભા ઝમરખ-ઝમરખ !




શનિવાર, 19 નવેમ્બર, 2011

ખવાણ

સોનેરી સૂરજ ઊગતો’તો ને વાંદરો કેળું ખાતો’તો ,
રૂપેરી પવન ઊછળતો’તો ને વાંદરો કેળું ખાતો’તો .

વનમાં ફૂલોની મ્હેંક હતી , પંખી-ઝરણાંનાં ગીત હતાં ,
આહ્‍લાદ મધુર ઉદ્‍ભવતો’તો ને વાંદરો કેળું ખાતો’તો .

ઝરમર-ઝરમર વરસાદ , આભમાં મેઘધનુષની સુંદરતા ,
દેખાવ રમ્ય ઊપસતો’તો ને વાંદરો કેળું ખાતો’તો .

મેં મારી નજરે જોયું છે , હું પોતે એનો સાક્ષી છું ,
આખ્ખો દરિયો ઘૂઘવતો’તો ને વાંદરો કેળું ખાતો’તો .

ગુરુવાર, 10 નવેમ્બર, 2011

OPPOSITE PERSON

If I get suddenly
the spectacle from an antique-shop
which makes a bearer
able to read
the thoughts of an opposite person–
like the hero of a short story by Abid Surti,
direct I will go
to stand before a man-size mirror.



(published in Triveni , April 1982)

રવિવાર, 6 નવેમ્બર, 2011

ડામચિયાકાંડ

બલાંગ મારી હું એના પર બેઠો ,
શબ્દોનો ડામચિયો ઢગલો ઢૂમ હડૂડૂ હેઠો .

ડામચિયાની માલીપાથી
સોળ વરસની કન્યા બોલી :
'કેચ મી ઈફ યૂ કેન બલમવા ,
આય્યમ લવ્લી હેન બલમવા'.
સડેડાટ હું છિન્નભિન્ન ડામચિયા વચ્ચે પેઠો.

વેરણછેરણ ડામચિયામાં પકડા-પકડી ,
લીરેલીરા ડામચિયામાં સોળ વરસની કન્યા અન્તર્ધાન
લગાગા ,
ડામચિયાના ડૂચા બોલ્યા :
'સી , બટ ટચ મી નોટ બલમવા ,
યૂ આર જેન્ટલમેન બલમવા'.
ડામચિયાનો હોય કોઈ દી’ નેઠો ?

શનિવાર, 5 નવેમ્બર, 2011

ઘટ

પરાપૂર્વથી એક ઘેટું ઘટે છે ,
ગણી જો , હજી એક ઘેટું ઘટે છે .

વિચારી-વિચારી થયા વૃદ્ધ લોકો ,
વિચાર્યું કદી : એક ઘેટું ઘટે છે ?


સદી-દર-સદી થાય સંખ્યા-ગણતરી ,
સદી-દર-સદી એક ઘેટું ઘટે છે .

ઝળેળાટ સૂરજ , સુગંધી પવન છે ,
વહે છે નદી , એક ઘેટું ઘટે છે .

ન વારણ-નિવારણ , ન કારણ-પ્રયોજન ,
ખુલાસો નથી , એક ઘેટું ઘટે છે .

ગુરુવાર, 3 નવેમ્બર, 2011

ગલાલોચ્છવ

ઊગમણી શેરીમાં ઊભી ગલાલ વહુ ,
આથમણી શેરીમાં હાંફે ઓચ્છવજી .

તડકામાં તરડાતી તૂટે ગલાલ વહુ ,
અધરાતે એક હાક મારે ઓચ્છવજી .

બુચકારે ચમકીને જાગે ગલાલ વહુ ,
સપનામાં સાંઢિયા ચરાવે ઓચ્છવજી .

કોરીકટ પાટી લઈ બેઠી ગલાલ વહુ ,
ભીંત્યું પર અક્ષરિયા માંડે ઓચ્છવજી .

ખોલે ધૂપેલ તેલ-શીશી ગલાલ વહુ ,
જટિયાંમાં જબાકુસુમ નાખે ઓચ્છવજી .

હવા વિના પરસેવે ન્હાતી ગલાલ વહુ ,
આલ્લે લે ! પતંગું ચગાવે ઓચ્છવજી !

ઓળઘોળ ઓચ્છવમાં મ્હાલે ગલાલ વહુ ,
રોમ-રોમ છવાયા ગલાલે ઓચ્છવજી .

મંગળવાર, 1 નવેમ્બર, 2011

અસ્તિત્વ

અલ્પવિકસિત બધા જ શબ્દો છે ,
દૂર સંપૂર્ણ ક્યાંક ચ્હેરો છે.

સાંજ પડશે , સવાર પણ પડશે ,
ઝિંદગી ખૂબ દીર્ઘ રસ્તો છે.

પળ વિતાવી શકાય સપનામાં ,
પણ હકીકત અમાપ નક્શો છે.

અંધ શિલ્પીન મૂર્તિ ઘડવાનો ,
રૂપ-કન્યા-કહ્યો તકાજો છે.
Creative Commons License
સિસ્‌ૠક્ષા શિલ્પીન થાનકીની રચનાઓનો સંકલ by શિલ્પીન થાનકી is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 2.5 India License.