બુધવાર, 14 ડિસેમ્બર, 2011

અસ્તિત્વ

અપેક્ષું ક્યાં હવે આકાશ ચંદાથી મઢાયેલું ! -
સમક્ષે છે વદન કોમળ દુપટ્ટામાં સમાયેલું .

ઊગમણી ના સહી , વેળા ભલેને હોય આથમણી ,
પળાયું છે વચન , બેશક , મિલન માટે અપાયેલું .

ન પડઘો છે , ન પર્દો છે , સકળ નક્શો જ ખુલ્લો છે ,
અહીં એકત્વ છે બે પૂર્ણ તત્વોથી રચાયેલું .


હયાતી ખીણ હરિયાળી , સપનની કન્દરા શીતલ , 
વસું છું એ સ્થળે જ્યાં છે ગગન ખુશ્બૂ છવાયેલું .

સલામત છે હજી શિલ્પીન પોતાના ઝરૂખામાં ,
ભલે હો હર તરફથી દર્દનું ખંજર તકાયેલું .

સોમવાર, 5 ડિસેમ્બર, 2011

વરસાદ

કદી ધારા , કદી ઝરમર બની વરસાદ આવે છે ,
નભેતર નભ મહીંથી સંચરી વરસાદ આવે છે .

શતાબ્દીઓ લગી કણ-કણ ધરા તડપે-તપે-તરસે , -
યુગોના આભ-ગોરંભા પછી વરસાદ આવે છે .

મૃદંગી મેઘ-તાલે નાચતી વિદ્યુત્પરી બે પલ , -
સમેટી સ્વેદ એનો બે ઘડી વરસાદ આવે છે .

ગુફામાનવ-સમૂહો ! બ્હાર આવો , મુક્ત-મન પલળો ,
સિમેંટી આંગણાં ભરતો હજી વરસાદ આવે છે .

રવિવાર, 4 ડિસેમ્બર, 2011

ઘોડા પર


સાત અશ્વો

કદી સાત અશ્વો
ફરી સાત અશ્વો

અને સાત અશ્વો
વળી સાત અશ્વો

હશે સાત અશ્વો
પછી સાત અશ્વો

ભલે સાત અશ્વો
હજી સાત અશ્વો

છેડલો સરી જાય

છેડલો સરી જાય રે સખી છેડલો સરી જાય
વાયરો નથી તોય કાં સખી છેડલો સરી જાય

આંજવી નયન ઝૂનલી નિશા
પ્હેરવી હવે ઊજળી દિશા
ફૂલની ઝરી મ્હેંક રે સખી પ્રાણને ભરી જાય

ઊછળે લહર સાયરે છલી
એમ હું અકળ મારગે ચલી
દૂરની બજી તાન રે સખી ચેતના હરી જાય

રવિવાર, 27 નવેમ્બર, 2011

વિકલ્પ-સત્ર

વનનો વિકલ્પ હોય , હવાનો વિકલ્પ શો ?
આ શબ્દ-નામ જીર્ણ પ્રથાનો વિકલ્પ શો ?

અથડાય છે તરંગ સતત એકમેકથી , -
મનની વિચાર-ગીચ ગુફાનો વિકલ્પ શો ?

ઊંચે જતા અવાજ-ગુબારાય ક્યાં જશે ?
એટીઝ એઝ ઈઝ દિશાનો વિકલ્પ શો ?

એહેબ હોય ક્યાંક અને ક્યાંક ઓલ્ડ મેન , -
દરિયો-જહાજ-મત્સય - બધાનો વિકલ્પ શો ?

ગુરુવાર, 24 નવેમ્બર, 2011

સોમવાર, 21 નવેમ્બર, 2011

પ્રાપ્તિ

મળી છે ઝુલ્ફની છાયા , અહીં વસવાટ કરવો છે ,
હવે સૌંદર્ય-આસવનો અતલ દરિયો જ તરવો છે .

ગુલાબી રેશમી ચ્હેરો , મુલાયમ સ્મિત , ચકિત ચિતવન ,-
મૃદુલ સાન્નિધ્યનો હર પળ ચષક ભરપૂર ભરવો છે.

અગોચર હોય પ્રાત:સાંજરે દુનિયા અમસ્તી પણ ,
દિવાસ્વપ્ને ડુબાવીને મને ખુદને વીસરવો છે .

હયાતી છે , હયાતીમાં નથી શિલ્પીનની હસ્તી ,
છતાં શિલ્પીન સાજો છે , છતાં શિલ્પીન નરવો છે .

રવિવાર, 20 નવેમ્બર, 2011

મૃ

અધ-મધરાતે પીધ પિયાલી , પરોઢ અમ્મલદાર , જીવભા ઝમરખ-ઝમરખ !
દસ દરવાજી રંગમ્હેલમાં રેલ-છેલ ઝોંકાર , જીવભા ઝમરખ-ઝમરખ !

અધખૂલી અધબંધ અટારી અખિયાં , અખિયાં બીચ ઉઘાડું અકડેઠઠ આકાશ ઝળુંબે ,
આમ વખંભર , ઓમ ડટેટર , સાવ ખખડધજ ગઢની રાંગે
અરજ-ખરજતો જિબડીનો બોલાશ ઝળુંબે ,
અવાક અસ્સલવાર જીવભાને શું પરશે-બરશે , ગઢ મોઝાર જીવભા ઝમરખ-ઝમરખ !

અચકો-મચકો સપનાંની ધોડાર હણેણે
તોય જીવભા બ્હેરા-બંતર કોઈ ઠાણિયા જેમ ઝાંપલે જાલિમ ઊંઘે ,
ઊંઘરેટિયાં ગાત કૂતરાં સસ્સસ્સૂંઘે ,
અઠંગ ઊંઘણહાર જીવભાને શું લાગે-વળગે , નીંદર સાથે એકાકાર જીવભા ઝમરખ-ઝમરખ !




શનિવાર, 19 નવેમ્બર, 2011

ખવાણ

સોનેરી સૂરજ ઊગતો’તો ને વાંદરો કેળું ખાતો’તો ,
રૂપેરી પવન ઊછળતો’તો ને વાંદરો કેળું ખાતો’તો .

વનમાં ફૂલોની મ્હેંક હતી , પંખી-ઝરણાંનાં ગીત હતાં ,
આહ્‍લાદ મધુર ઉદ્‍ભવતો’તો ને વાંદરો કેળું ખાતો’તો .

ઝરમર-ઝરમર વરસાદ , આભમાં મેઘધનુષની સુંદરતા ,
દેખાવ રમ્ય ઊપસતો’તો ને વાંદરો કેળું ખાતો’તો .

મેં મારી નજરે જોયું છે , હું પોતે એનો સાક્ષી છું ,
આખ્ખો દરિયો ઘૂઘવતો’તો ને વાંદરો કેળું ખાતો’તો .

ગુરુવાર, 10 નવેમ્બર, 2011

OPPOSITE PERSON

If I get suddenly
the spectacle from an antique-shop
which makes a bearer
able to read
the thoughts of an opposite person–
like the hero of a short story by Abid Surti,
direct I will go
to stand before a man-size mirror.



(published in Triveni , April 1982)

રવિવાર, 6 નવેમ્બર, 2011

ડામચિયાકાંડ

બલાંગ મારી હું એના પર બેઠો ,
શબ્દોનો ડામચિયો ઢગલો ઢૂમ હડૂડૂ હેઠો .

ડામચિયાની માલીપાથી
સોળ વરસની કન્યા બોલી :
'કેચ મી ઈફ યૂ કેન બલમવા ,
આય્યમ લવ્લી હેન બલમવા'.
સડેડાટ હું છિન્નભિન્ન ડામચિયા વચ્ચે પેઠો.

વેરણછેરણ ડામચિયામાં પકડા-પકડી ,
લીરેલીરા ડામચિયામાં સોળ વરસની કન્યા અન્તર્ધાન
લગાગા ,
ડામચિયાના ડૂચા બોલ્યા :
'સી , બટ ટચ મી નોટ બલમવા ,
યૂ આર જેન્ટલમેન બલમવા'.
ડામચિયાનો હોય કોઈ દી’ નેઠો ?

શનિવાર, 5 નવેમ્બર, 2011

ઘટ

પરાપૂર્વથી એક ઘેટું ઘટે છે ,
ગણી જો , હજી એક ઘેટું ઘટે છે .

વિચારી-વિચારી થયા વૃદ્ધ લોકો ,
વિચાર્યું કદી : એક ઘેટું ઘટે છે ?


સદી-દર-સદી થાય સંખ્યા-ગણતરી ,
સદી-દર-સદી એક ઘેટું ઘટે છે .

ઝળેળાટ સૂરજ , સુગંધી પવન છે ,
વહે છે નદી , એક ઘેટું ઘટે છે .

ન વારણ-નિવારણ , ન કારણ-પ્રયોજન ,
ખુલાસો નથી , એક ઘેટું ઘટે છે .

ગુરુવાર, 3 નવેમ્બર, 2011

ગલાલોચ્છવ

ઊગમણી શેરીમાં ઊભી ગલાલ વહુ ,
આથમણી શેરીમાં હાંફે ઓચ્છવજી .

તડકામાં તરડાતી તૂટે ગલાલ વહુ ,
અધરાતે એક હાક મારે ઓચ્છવજી .

બુચકારે ચમકીને જાગે ગલાલ વહુ ,
સપનામાં સાંઢિયા ચરાવે ઓચ્છવજી .

કોરીકટ પાટી લઈ બેઠી ગલાલ વહુ ,
ભીંત્યું પર અક્ષરિયા માંડે ઓચ્છવજી .

ખોલે ધૂપેલ તેલ-શીશી ગલાલ વહુ ,
જટિયાંમાં જબાકુસુમ નાખે ઓચ્છવજી .

હવા વિના પરસેવે ન્હાતી ગલાલ વહુ ,
આલ્લે લે ! પતંગું ચગાવે ઓચ્છવજી !

ઓળઘોળ ઓચ્છવમાં મ્હાલે ગલાલ વહુ ,
રોમ-રોમ છવાયા ગલાલે ઓચ્છવજી .

મંગળવાર, 1 નવેમ્બર, 2011

અસ્તિત્વ

અલ્પવિકસિત બધા જ શબ્દો છે ,
દૂર સંપૂર્ણ ક્યાંક ચ્હેરો છે.

સાંજ પડશે , સવાર પણ પડશે ,
ઝિંદગી ખૂબ દીર્ઘ રસ્તો છે.

પળ વિતાવી શકાય સપનામાં ,
પણ હકીકત અમાપ નક્શો છે.

અંધ શિલ્પીન મૂર્તિ ઘડવાનો ,
રૂપ-કન્યા-કહ્યો તકાજો છે.

સોમવાર, 31 ઑક્ટોબર, 2011

ઋચા

આપણે અજવાસના પુત્રો છીએ ,
આપણે ઉલ્લાસના પુત્રો છીએ.
કાળ સાથે આપણી ટક્કર સતત ,
આપણે વિશ્વાસના પુત્રો છીએ.

સ્થિતિબોધ

એમનાથી અહીં અવાતું ક્યાં !
આપણાથીય ત્યાં જવાતું ક્યાં !

દૃષ્ટિપથમાં મરુસ્થળો કેવળ ,
આભ પણ પૂર્વવત્‌ છવાતું ક્યાં !

રોજ ઊગી તમસ્‌ ધરે સૂરજ ,
ગીત અજવાસનું ગવાતું ક્યાં !

મૂળ ઊર્ધ્વે અને અધ: શાખા ,
વૃક્ષ એવું હવે વવાતું ક્યાં !

રવિવાર, 30 ઑક્ટોબર, 2011

અદ્યસત્ર

ગત-અનાગત કાળ જેવું છે જ ક્યાં !
આજના આકાશના પંખી અમે.

FOUR STROKE ગઝલ

ગમખ્વાર બનાવો છે ખૂંખાર બનાવો છે
ચિક્કાર બનાવો છે ધિક્કાર બનાવો છે

હિંસાળ બનાવો છે ભીંસાળ બનાવો છે
વિકરાળ બનાવો છે ઝૂંઝાર બનાવો છે

પૂર્વેય બનાવો છે પશ્ચેય બનાવો છે
મધ્યેય બનાવો છે દુશ્વાર બનાવો છે

કુત્તાક બનાવો છે ભૂંડાક બનાવો છે
સત્તાક બનાવો છે સરકાર બનાવો છે

શું કાવ્ય લખું છું હું શું કાવ્ય સુણે છે તું
દંતાળ બનાવો છે નખદાર બનાવો છે

પ્રસ્તાવ-

અંધ તટ પર ક્યાંક કંદીલ હોય છે,
હર કિનારે કૈંક હાંસિલ હોય છે.
આપણે સૌ તો હજી મઝધારમાં,-
મંઝિલોની પાર મંઝિલ હોય છે.
Creative Commons License
સિસ્‌ૠક્ષા શિલ્પીન થાનકીની રચનાઓનો સંકલ by શિલ્પીન થાનકી is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 2.5 India License.