શનિવાર, 27 મે, 2017

ગઝલ ( કચ્છી )

મીણ જેડા થઈ વિયા પથ્થર ડિસે,
સ્પર્શ જે ગુલ્મોરજો અવસર ડિસે.
આંગણે મેં લાગણી રેલાઈ વઈ,
અંકુરિત હાણે સઘન ઉંબર ડિસે.
ભાલજો સિન્દુર હી સૂરજ સમો,
આભલેં મઢ્યો અસાંજો ઘર ડિસે.
મઘમઘેંતી મેડિયું મધરાતજી,
સાંસમેં સાયુજ્યજો અત્તર ડિસે.
ઓયડેજી શૂન્યતા ખન્ડિત હુઈ,
રુનઝુનિત આશ્લેષજા ઝાન્ઝર ડિસે.
એકતારો હી વજે અદ્વૈત જો –
સત્ત સાગર સામટા ભીતર ડિસે.

બુધવાર, 14 ડિસેમ્બર, 2011

અસ્તિત્વ

અપેક્ષું ક્યાં હવે આકાશ ચંદાથી મઢાયેલું ! -
સમક્ષે છે વદન કોમળ દુપટ્ટામાં સમાયેલું .

ઊગમણી ના સહી , વેળા ભલેને હોય આથમણી ,
પળાયું છે વચન , બેશક , મિલન માટે અપાયેલું .

ન પડઘો છે , ન પર્દો છે , સકળ નક્શો જ ખુલ્લો છે ,
અહીં એકત્વ છે બે પૂર્ણ તત્વોથી રચાયેલું .

સલામત છે હજી શિલ્પીન પોતાના ઝરૂખામાં ,
ભલે હો હર તરફથી દર્દનું ખંજર તકાયેલું .

સોમવાર, 5 ડિસેમ્બર, 2011

વરસાદ

કદી ધારા , કદી ઝરમર બની વરસાદ આવે છે ,
નભેતર નભ મહીંથી સંચરી વરસાદ આવે છે .

શતાબ્દીઓ લગી કણ-કણ ધરા તડપે-તપે-તરસે , -
યુગોના આભ-ગોરંભા પછી વરસાદ આવે છે .

મૃદંગી મેઘ-તાલે નાચતી વિદ્યુત્પરી બે પલ , -
સમેટી સ્વેદ એનો બે ઘડી વરસાદ આવે છે .

ગુફામાનવ-સમૂહો ! બ્હાર આવો , મુક્ત-મન પલળો ,
સિમેંટી આંગણાં ભરતો હજી વરસાદ આવે છે .

રવિવાર, 4 ડિસેમ્બર, 2011

ઘોડા પર

સવાર થઈ શકાય છે દરેક ઘોડા પર ,
મન જઈ બેસતું ફક્ત સફેદ ઘોડા પર .

નો મેન કેન રાઈડ ટૂ હોર્સીઝ એટે ટાઈમ ,
હજાર પગ છે મારા કાં અનેક ઘોડા પર ?

મરી-મરી જનમવું પાછું જીન પર કાયમ ,
ન હોય , હોય નહીં છેલ્લી ખેપ ઘોડા પર .

મને ઉતારો , ઝટ ઉતારો ક્યાંક ખુલ્લામાં ,
સિમટતા જાય છે બધા પ્રદેશ ઘોડા પર .

રુંવાડી એમનેમ ર્‍હેવાની મટમૈલી , -
ચડાવો ચાહે એટલા ગિલેટ ઘોડા પર .

કમાડ કોઈ હવે તો ભીડો મ્યુઝિયમનાં ,
સવાર શબ મારું છે અચેત ઘોડા પર .

સાત અશ્વો

કદી સાત અશ્વો
ફરી સાત અશ્વો

અને સાત અશ્વો
વળી સાત અશ્વો

હશે સાત અશ્વો
પછી સાત અશ્વો

ભલે સાત અશ્વો
હજી સાત અશ્વો

છેડલો સરી જાય

છેડલો સરી જાય રે સખી છેડલો સરી જાય
વાયરો નથી તોય કાં સખી છેડલો સરી જાય

આંજવી નયન ઝૂનલી નિશા
પ્હેરવી હવે ઊજળી દિશા
ફૂલની ઝરી મ્હેંક રે સખી પ્રાણને ભરી જાય

ઊછળે લહર સાયરે છલી
એમ હું અકળ મારગે ચલી
દૂરની બજી તાન રે સખી ચેતના હરી જાય

રવિવાર, 27 નવેમ્બર, 2011

વિકલ્પ-સત્ર

વનનો વિકલ્પ હોય , હવાનો વિકલ્પ શો ?
આ શબ્દ-નામ જીર્ણ પ્રથાનો વિકલ્પ શો ?

અથડાય છે તરંગ સતત એકમેકથી , -
મનની વિચાર-ગીચ ગુફાનો વિકલ્પ શો ?

ઊંચે જતા અવાજ-ગુબારાય ક્યાં જશે ?
એટીઝ એઝ ઈઝ દિશાનો વિકલ્પ શો ?

એહેબ હોય ક્યાંક અને ક્યાંક ઓલ્ડ મેન , -
દરિયો-જહાજ-મત્સય - બધાનો વિકલ્પ શો ?

ગુરુવાર, 24 નવેમ્બર, 2011

આસન

ભરી એકાંતની ખીણો ગહન ચોપાસ બેઠો છું ,
સમાવી આંખમાં તારા-સભર આકાશ બેઠો છું .

ભલે ઘેરે મને આ રાતની ચાદર સિતી શીતલ ,
અગોચર હૂંફ હૈયામાં ધરી બિંદાસ બેઠો છું .

કહીં ઝિંગુર , કહીં દાદુર , કહીં ઝિલ્લી ; અવાજો છે ,
અવાચક હું કરી સઘળા જ પર્દાફાશ બેઠો છું .

નિરાંતે જોઉં છું જળનાં તરંગો , બુદ્‍બુદા પળના ,
સમયથી પર કિનારા પર કરી ર્‍હેવાસ બેઠો છું .

સોમવાર, 21 નવેમ્બર, 2011

પ્રાપ્તિ

મળી છે ઝુલ્ફની છાયા , અહીં વસવાટ કરવો છે ,
હવે સૌંદર્ય-આસવનો અતલ દરિયો જ તરવો છે .

ગુલાબી રેશમી ચ્હેરો , મુલાયમ સ્મિત , ચકિત ચિતવન ,-
મૃદુલ સાન્નિધ્યનો હર પળ ચષક ભરપૂર ભરવો છે.

અગોચર હોય પ્રાત:સાંજરે દુનિયા અમસ્તી પણ ,
દિવાસ્વપ્ને ડુબાવીને મને ખુદને વીસરવો છે .

હયાતી છે , હયાતીમાં નથી શિલ્પીનની હસ્તી ,
છતાં શિલ્પીન સાજો છે , છતાં શિલ્પીન નરવો છે .

રવિવાર, 20 નવેમ્બર, 2011

મૃ

અધ-મધરાતે પીધ પિયાલી , પરોઢ અમ્મલદાર , જીવભા ઝમરખ-ઝમરખ !
દસ દરવાજી રંગમ્હેલમાં રેલ-છેલ ઝોંકાર , જીવભા ઝમરખ-ઝમરખ !

અધખૂલી અધબંધ અટારી અખિયાં , અખિયાં બીચ ઉઘાડું અકડેઠઠ આકાશ ઝળુંબે ,
આમ વખંભર , ઓમ ડટેટર , સાવ ખખડધજ ગઢની રાંગે
અરજ-ખરજતો જિબડીનો બોલાશ ઝળુંબે ,
અવાક અસ્સલવાર જીવભાને શું પરશે-બરશે , ગઢ મોઝાર જીવભા ઝમરખ-ઝમરખ !

અચકો-મચકો સપનાંની ધોડાર હણેણે
તોય જીવભા બ્હેરા-બંતર કોઈ ઠાણિયા જેમ ઝાંપલે જાલિમ ઊંઘે ,
ઊંઘરેટિયાં ગાત કૂતરાં સસ્સસ્સૂંઘે ,
અઠંગ ઊંઘણહાર જીવભાને શું લાગે-વળગે , નીંદર સાથે એકાકાર જીવભા ઝમરખ-ઝમરખ !
Creative Commons License
સિસ્‌ૠક્ષા શિલ્પીન થાનકીની રચનાઓનો સંકલ by શિલ્પીન થાનકી is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 2.5 India License.