રવિવાર, 6 ડિસેમ્બર, 2020

પરામર્શ

 આવી રહી છતાંય મજા એ જ ખેલમાં

મળતો રહું છું હું જ મને છદ્મવેશમાં 


ગુલમ્હોર-ફૂલ-ડાળ-વણાંકો હવા-હવા-

આવીશ મા કદીય હવાના ફરેબમાં


છે કાળમીન્ઢ ઘાટ મળેલા દરેકને,

છે પુરમિઝાજ પદ્મસરોવર દરેકમાં 


ઓ ગામઝીન, સોચ નહીં શબ્દની દિશા,

શામિલ બની જવાય અનાયાસ ખેપમાં.

ગુરુવાર, 3 ડિસેમ્બર, 2020

ધફૂડો

સાનુપાતિક, વજનદાર અને પ્રભાવશાળી શિંગડાથી શોભતું પગતું માથું ઊંચું કરીને, ફોયણાં ફુલાવીને ઊંડા શ્વાસ ભરતા અલમસ્ત ધફૂડાએ વાતાવરણની ગન્ધ લેવાની સહજવૃત્તિજન્ય કોશિશ કરી.

 

ગિરના અન્ય જંગલી પાડાઓના ઘેરા રાખોડી વાનની તુલનાએ ધફૂડાનો વાન પિંગળો-બદામી હતો, એથી વેજલ નેસના તેમજ આજુબાજુના અન્ય નેસડાઓના માલધારીઓ એને 'ધફૂડો'ને નામે ઓળખતા.

 

જામ્બુડા ગામના, ઉમરની સદી વટાવી ગયેલા સીદી ખેડૂ અબૂ કાદર ક્યારેક પોતાના સમવયસ્ક, પુરાતન દોસ્ત નાગાજણ ભાભાની મુલાકાતે વેજલ નેસ આવી ચડતા ત્યારે બન્ને આદરણીય વૃદ્ધ-જનોની સાંભરણના ખજાના ખૂલી જતા. એમની વાતોમાંથી જુવાનીઆઓને જાણવા મળેલું કે ધફૂડાના બાપનો દાદો રાભડો, જે ઢીંચણિયા ડુંઘરની ઓમણી કોરની ગાળીમાં વસતા જંગલી મહિષવૃન્દનો વડવો હતો, એના ડીલ પર કપાળની વચોવચ કોઠા જેવડી ગોલાઈનો પિંગળો-બદામી ડાઘો હતો. રાભડાનો જોગડ, જોગડનો ધીંગડ અને ધીંગડનો ધફૂડો થયો હતો. રાભડાના થાપામાં એક વાર કાળી દીપડીએ દાંત ખુચાડી દીધા હતા - પાછલી અવસ્થામાં જોગડના ડાબા શિંગડા અણી ભાંગી ગઈ હતી - ધીંગડનો અધઉપરાંત જમણો કાન શાર્દૂળિયો સાવજ ચાવી ગયો હતો - આવી બધી વાતોને અથેતિ યાદ રાખવામાં આવતી હતી.

 

એખડિયા-બેખડિયા સિંહ હાલતે રસ્તે ક્યાંક ધફૂડાનો આમનો-સામનો થતાં આઘેથી તરીને ચાલ્યા જતા. બે-પાંચ સાવજની ઘીંઘ પણ ધફૂડાથી આઘા રહેવાનું મુનાસિબ માનતી. ઢીંચણિયાની ગાળીમાં ધફૂડાનું એકચક્રી રાજ હતું.

 

સેંજળિયા વોંકળાની ઓલી બાજુની કેયડાની ઝાડી તરફથી પોતાની તરફ આવતી હવામાંથી ધફૂડાએ સિંહની ગન્ધ તરત વરતી કાઢી. ગન્ધની તીવ્રતાને અનુલક્ષીને, સિંહોનું સામટું ટોળું હોવાનો અડસટ્ટો પણ એને મળ્યો. પાંચ-સાત સિંહ, કે જે ખાસ હાલ-ડોલ કરતા નહોતા, સુસ્ત, કદાચ મારણ-ભક્ષણ પછીના કલાકોમાં આવી જતી સહજ તન્દ્રાથી ઘેરાયેલા.

ધારણમાં પડેલા પાંચ-સાત સિંહોથી ધફૂડાએ ડરવાપણું હતું નહીં. નિશ્ચિન્ત ધફૂડો પોતાની ધ્રોખડ ચરવાની પ્રવૃત્તિમાં મગ્ન થઈ ગયો.

 

અચાનક હવાની દિશા બદલાઈ અને ધફૂડાએ પોતાની પાછળની સાવ નજીકની બાવળિયાની કાંટ તરફથી આવતી સિંહની હાલતી-ચાલતી ગન્ધ વરતી. કાંટ તરફ મોઢું ફેરવીને ધકૂડો દમામપૂર્વક સ્થિર ઊભો રહ્યો. એના આછા રાતા ડોળાઓમાં ઘેરી રતાશની ટશરો ફૂટી, ફોયણાં ફરી ફૂલી ઊઠ્યાં, ચમકતા ધોળા દાંતવાળા જડબાં ઉઘાડ-બન્દ થવા લાગ્યા, પૂંછડી ઊલળીને ફગફગી, આગલા જમણા પગની ખરીના જોરદાર આઘાતથી ખડ-સોતું માટીનું જબરું ઢેફું એણે ઉખેડી કાઢ્યું. અડખે-પડખેની કરમદીઓના ઝુંડમાંથી ક્રોં-ક્રોં કરતું ગિરનારી કાગડાઓનું ટોળું ફડફડાટ ઊડી પડ્યું, નજીકના વડલાની ડાળોમાં ગેલ-ખિખવાટા કરતા વાંદરા સ્તબ્ધ થઈ ગયાં. આઘેની કન્દરામાંથી ટોળાબન્દ છાપાં આકાશમાં આડાં-અવળાં ઉડવા લાગ્યાં. ખિલખોડીઓ અને છાપાંની તીણી ચિચવાટીઓથી વાતાવરણ તરડાઈ ઊઠ્યું.

 

ધફૂડાની સામે બે ગલઢા સિંહ હતા.

 

જોડીદર સિંહોને માલધારીઓ 'ટીંગલો' અનેટૂંગલો’ નામે ઓળખતા, ટીંગલો અને ટૂંગલો પોતાના આયુષ્યના છેલ્લા તબક્કામાં પહોંચી ગયેલા. ખખડી ગયેલા દીદાર, લબડી ગયેલાં ચામડાં, બેસી ગયેલાં ડાચાં, પીળી પાંજર આંખો, પાંખી-પારવી કેશવાળી, રડ્યા-ખડ્યા દન્ત, ટૂટલા-બુઠ્ઠા ન્હોર. ટોળાનાં જુવાન સિંહ-સિંહણોએ કરેલા મારણ-ભક્ષણ પછી વધ્યાં-ઘટ્યાં હાડ-ચામ ચાટીને નભનારા.

 

માલધારીઓની જાણકારી મુજબ, ટીંગલો ઉમદા ખવાસનો સિંહ હતો, જયારે ટૂંગલો હલકી ખવાસનો હતો, છતાં બેયની દોસ્તી જામેલી હતી.

 

અત્યારે બેય ખખડધજ મુડદાલ જોડાજોડ ઊભીને રૂઆબદર ધફૂડાની ખુન્નસભરી આંખો સાથે આંખો મિલાવવાની વાહિયાત કોશિશ કરી રહ્યા હતા. અગાઉ ધફૂડાએ બે-ચાર વાર બેયને પોતાનાં ભારે અને તીખાં શિંગડાનો સ્વાદ ચખાડીને ભોંય ભેગા કર્યા હતા, છતાં આજે નકટા થઈને ધફૂડાની હરૂભરૂ ઊભા હતા.

બે પળમાં બેયની વચ્ચે પૂગી જઈને ધફૂડાએ ઘમસાણ મચાવી દીધું. થોડી પળો માટે વાતાવરણ નબળી ડણકો અને બળકટ છીંકોટાથી છવાઈ ગયું. થોડી પળો પછી મરણતોલ રીતે ઘાયલ થઈ, ફંગોળાઈને કણસતા પડેલા ટીંગલા અને ટૂંગલાની વચ્ચે ધફૂડો આરામથી બેઠો હતો. પાડે આવેલી બે જંગલી ભેંસ અને ગરમીમાં આવેલી એક પાડી ઝનૂનપૂર્વક ધફૂડાના ડીલ પર પડેલા ઉઝરડા ચાટતી હતી.

પ્રકાશિત - ખેવના ( અંક 8-9, ઓગસ્ટ-સેપ્ટેમ્બર 1991 )









 

 

 


બુધવાર, 2 ડિસેમ્બર, 2020

Creative Commons License
સિસ્‌ૠક્ષા શિલ્પીન થાનકીની રચનાઓનો સંકલ by શિલ્પીન થાનકી is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivs 2.5 India License.